Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (3)

v  કઠિન રસ્તો અને સપનાની શરૂવાત 

            ધોરણ ૧૦ મે પુરુ તો કરી લીધુ પણ આગળ હવે શુ ભણવાનુ આવે એ મને ખબર જ નહોતી. કેમ કે મે ક્યારેય સિરિયસ થઈને અભ્યાસમાં ધ્યાન આપ્યુ જ નહોતુ. પણ બીજી બાજુ મારા પપ્પા મારે માટે મહેનત કરવા લાગ્યા હતા. એ મને એક ડોક્ટર અથવા એંજીનિયર બનાવવા માંગતા હતા. એની પાછળ પણ એક કારણ હતુ. મારા પપ્પાના જેટલા મિત્રો હતા એમાથી ઘણા બધા ડોક્ટર હતા. અને મારા ૧૦ માંના પરિણામ માં મારે સૌથી વધુ માર્ક્સ ગણિતમાં આવ્યા હતા (સાચુ કહુ તો એ માર્ક્સ કેમ મને આવી ગયા હતા એ આજદિન સુધી મને ખબર નથી પડી અને આજે પણ મને ગણિતનો ગ પણ નથી આવડતો) અને ગણિતમાં વધારે માર્ક્સ આવવાથી મારા પપ્પાને લાગ્યુ કે હુ સાયન્સ ભણી શકીશ અને એમા આગળ જઈને એક ડોક્ટર અથવા એક સારો એંજિનિયર બની શકીશ. એટલા માટે મારા પપ્પાએ મને એમના એક મિત્ર અને અમારા ગામમાં સારા જાણિતા એવા ડૉ.મનુભાઈ ઘોઘારી પાસે મોકલ્યો. હુ ત્યા ગયો અને એમણે મારી માર્કશીટ જોઈ અને થોડી વાર પછી કીધુ કે તુ સાયન્સ રાખજે અને એમાં તુ GROUP-B રાખજે. તો વળી બીજા એક મિત્ર પાસે મોકલ્યો તો એણે મને GROUP-A રાખવાનુ કીધુ. સાચુ કહુ તો આ લોકો મને શુ કહેતા હતા એ ખબર જ નહોતી પડતી કોને ગૃપ એ કહેવાય અને કોને ગૃપ બી કહેવાય એ ટપ્પો જ નહોતો પડતો. પણ ખેર જે હોય એ મે પપ્પાનુ સપનુ પુરુ થાય એના માટે સાયન્સ રાખવાનુ નક્કી કરી લીધુ. ખબર તો હતી જ નહિ કે એમાં શુ આવે ભણવાનુ. બસ અમુક મિત્રો પાસેથી એટલુ જાણવા મળ્યુ હતુ કે એમાં ગણિત અને વિજ્ઞાન વધારે ભણવાનુ આવે. બસ આ સાંભળીને જ મારા પગ ધ્રુજવા લાગ્યા ડરના કારણે કેમ કે ગણિત અને વિજ્ઞાન સાથે મારે પહેલેથી જ ૩૬ નો આંકડો હતો. પ્રાયમરીમાં અમને બિંદુબેન ગણિત ભણાવતા તો માધ્યમિક માં અમને ગણિત ભણાવતા એ સમયના ગણિત વિષયના ધુરંધર એવા શ્રી પંડ્યા સાહેબ. પણ ખબર નહિ કોઈના પણ લેક્ચરમાં ધ્યાન આપવાનુ મન થાતુ જ નહિ. એવુ પણ નહોતુ કે એ લોકો સરખુ ભણાવતા નહોતા બસ મારુ જ મન ગણિતમાં લાગતુ જ નહિ. વળી ક્લાસમાં મારી છાપ એક હોશિયાર વિદ્યાર્થીની હો એમાં ના નહિ.

                અમારા ગામમાં ૧૨ સુધીની શાળા હતી પણ ત્યા ખાલી આર્ટ્સજ ચાલતુ સાયન્સ હતુ નહિ. સાયન્સ ભણવા માટે અમારે કાંતો બાજુમાં આવેલ ગામ સાવરકુંડલા જવાનુ થતુ અથવા અમારા જીલ્લા મથકે એટલે કે અમરેલી જાવુ પડતુ. અમરેલી અમારા ગામથી થોડુ દુર પડી જાય (56 કિમી) જ્યારે સાવરકુંડલા ( ૧૮ કિમી ) થાય અને વળી ત્યા અમારા સમાજની હોસ્ટેલ પણ આવેલી હતી. તો અમે સાવરકુંડલા જઈને એડ્મિશન લેવાનુ વિચાર્યુ. હુ , મારા પાડોશમાં રહેતો એક ભાઈ અને મારો બેસ્ટ ફ્રેંડ શ્યામ અમે ત્રણેયે સાથે સાયન્સ રાખવાનુ નક્કી કર્યુ અમે બધા સાથે સાવરકુંડલા ગયા. ત્યા એક શાળા છે કે.કે.ઘેલાણી આ શાળામાં મે જઈને એડ્મિશન ફોર્મ ભર્યુ. એ સમયે પણ મેરિટ પડવાની રાહ જોવી પડતી. અમે બધાએ ફોર્મ ભરી દીધુ અને મેરિટ લિસ્ટ બહાર પડ્યુ જેમાં મારા ત્રણેયના નામ આવી ગયા મતલબ કે અમને એડ્મિશન મળી ગયુ. એડ્મિશન મળ્યા બાદ હોસ્ટેલમાં પ્રવેશ માટે ગયા. ત્યા હુ અને મારા પાડોશમાં રહેતા પેલા ભાઈ અમે એક જ કાસ્ટનાં હોવાથી અમને પ્રવેશ મળી ગયો અને મારો ફ્રેંડ શ્યામ અમારી કાસ્ટનો ના હોવાથી એણે અપ-ડાઉન કરવાનુ નક્કી કર્યુ. ખાંભા આવીને બધો જરૂરી સામાન પેક કર્યો અને મે મારી પીડાદાયક સફરની શરૂવાત કરી.

                હોસ્ટેલ નુ જીવન બહુજ અઘરુ હોય છે મિત્રો. ત્યા આપડા ઘર જેવી સુવિધા નથી મળતી કે નથી મળતી ઘર જેવી આઝાદી. ત્યા બધા નિયમોનુ પાલન કરવુ પડે છે. સવારે વહેલુ ઉઠવાનુ એક વાટકી દુધ માટે. બપોરે એક ટાઈમ સારૂ જમવાનુ મળે બાકી રાત્રે તો બે ભાખરી (પરોઠુ) મળે ખાવા માટે. અને ભાખરી પણ કેવી કોઈને મારો તો લોહી નીકળી જાય, બટકા કરવા માટે કાતરની જરૂર પડે એવી ભાખરી મળે અને એ ભાખરીમાંથી એક ભાખરી સવારે ખાવા માટે રાખી મુકવાની. જેવી તમારી મરજી હોય એમ એ ભાખરીને ખાવાની. સવાર માટે રાખવી હોય તો પણ ઠીક અને ના રાખવી હોય તો પણ ઠીક. તમારી મરજી. આવી રીતે અમે ૧૧ સાયન્સની શરૂવાત કરી. શરૂવાતના દિવસોમાં તો હુ શાળાએ રેગ્યુલર ગયો પણ સાચુ કહુ તો ત્યાના શિક્ષકો જે ભણાવતા એ બધુ મારા સમજની બહાર જ હતુ. મને સમજાતુ જ નહિ કે એ લોકો ભણાવે છે શુ.બસ આ રીતે થોડા જ દિવસ પસાર થયા અને મારા બેસ્ટ ફ્રેંડ શ્યામે નક્કી કરી લીધુ કે એ સાયન્સ છોડે છે અને મારા મિત્રએ અમારો સાથ છોડી દીધો. હવે અમે બે જ જણા રહ્યા હતા સાથે ભણવા વાળા હુ અને નિતિન. હા એનુ નામ નિતિન છે. પણ સાચુ કહુ તો મને ભણવામાં અને હોસ્ટેલમાં જરીક પણ મન નહોતુ લાગતુ. દર બે કે ત્રણ દિવસ થાય એટલે હુ પપ્પાને ફોન કરતો અને રડતા રડતા એક જ વાત કરતો મને અહિ નથી ગમતુ. મારે અહિ નથી રહેવુ મને તમે લઈ જાવ. પણ હરવખતે પપ્પા મને સમજાવતા અને કહેતા થોડા દિવસ ત્યા રહે તો ખરા. તને ગમવા લાગશે....હુ માની તો જાતો પણ મને ગમતુ જ નહિ. અને હવે તો મને શાળાએ જવુ પણ ગમતુ નહિ. મારો સાથીદાર શાળાએ નિયમિત જાય પણ મે જાવાનુ બંધ કરી દીધુ હતુ. હા હુ સવારે તૈયાર તો થતો જ હતો પણ શાળાએ જાતો જ નહિ એના બદલે હુ સીધો જાતો બસ સ્ટેંડ પર અને ત્યા જઈ બાકડે બેસી રહેતો અને કોઈ મને જોઈ ના જાય એનુ ધ્યાન રાખતો. અને બપોરના શાળા છુટવાના સમય સુધી ત્યાજ રહેતો અને પછી હોસ્ટેલ આવી જાતો આવુ થોડા દિવસ ચાલ્યુ....ક્યારેક બસ સ્ટેંડ પર જાવ તો ક્યારેક રેલ્વે સ્ટેંડ પર જઈને સમય વિતાવતો. પછી થયુ એવુ કે હુ હોસ્ટેલમાં જ રહેતો કશે પણ જાતો નહિ....પણ પણ પણ આ બધુ ક્યા સુધી ચાલે ? ક્યારેક તો કોઈના ધ્યાનમાં આવે જ ને. અને થયુ પણ એવુ. અમારી હોસ્ટેલમાં જ રહેતા કોઈ વ્યક્તિના ધ્યાનમાં આ બાબત આવી અને એ મહાન વ્યક્તિએ ( મહાન એટલે કહુ છુ કેમ કે એના કારણે મારા સપના તરફ હુ જઈ શક્યો) તરત જ હોસ્ટેલના ગૃહપતિને આની જાણ કરી દીધી અને ગૃહપતિએ મને બોલાવ્યો અને પુછ્યુ.

ગૃહપતિ : કેમ ભાવેશ તુ શાળાએ નથી જાતો ?

મે કહ્યુ હા સાહેબ હુ નથી જાતો.

સાહેબ : કેમ ? સમસ્યા શુ છે ? નિશાળે તો જાવુ પડે ને.

મે કહ્યુ સાહેબ મને શાળાએ જાવુ નથી ગમતુ અને મને અહિ હોસ્ટેલમાં પણ નથી ગમતુ. મારે અહિ નથી રહેવુ. હુ ઘરે જાવા માંગુ છુ.

પછી શુ ગૃહપતિએ સીધો મારા પપ્પાને ફોન કરી દીધો અને બધી વાત કરી દીધી. પપ્પા આવ્યા અને મને ગુસ્સામાં લઈને ખાંભા આવતા રહ્યા. હુ થોડો ખુશ થયો અને લાગ્યુ કે પપ્પા હવે મને મારા જ ગામની શાળામાં ભણાવશે. પણ આપડે વિચારિયે એવુ થાય થોડુ. મારા પપ્પાના મનમાં કઈક અલગ જ વિચાર ચાલતા હતા. હા મે એ સમયે મે માર પણ બહુ ખાધો હતો. તોય હુ પાછો સાવરકુંડલા જવા માંગતો હતો જ નહિ. મારે સાયન્સ ભણવુ જ હતુ નહિ કેમ કે એ મારા પલ્લે પડતુ જ હતુ નહિ.... હવે શરુ થઈ મારી પરિક્ષા. મારા પપ્પાને લાગ્યુ કે આને હુ થોડી કડક સજા કરીશ તો આ પાછો ભણવા ચાલ્યો જાશે. અને શરૂ થઈ મારી પરીક્ષા.

Ø  સવારે વહેલા ૬ વાગ્યે ઉભા થઈ જવાનુ.

Ø  ઉઠતા વેત બળદગાડામાં છાણીયુ ખાતર ભરવાનુ ( જેને સૌરાષ્ટ્રમાં ઉકરડો કહે )

Ø  ૭ વાગ્યા સુધીમાં તૈયાર થઈ જવાનુ અને પપ્પા જોડે ખેતરે જાવનુ.

Ø  ખેતરે પપ્પા જે કાઈ પણ કામ કહે એ કરી આપવાનુ અને એ પણ સમય પહેલા.

Ø  ક્યારેક ક્યારેક ભારે વજનદાર વસ્તુ ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાની. કોઈ જ કામ ના હોય તો આ કરવાનુ.

Ø  સાંજે પપ્પા ની સાથે ઘરે આવી જાવાનુ અને જો કોઈ કામ ઘરે હોય તો એ કરવાનુ અને રાત્રે ખાઈને સીધુ સુય જાવનુ કશે પણ જાવાનુ નહિ. ( મને તો રાત્રે બહાર જાવાની ટેવ હતિ )

આવુ થોડા દિવસ ચાલ્યુ. પપ્પાને એમ કે આવુ બધુ કરાવીશ તો આ સીધો થાશે અને ભણવાનુ શરૂ કરી દેશે. પણ સામે હુય એનો જ દિકરો હતો. મે પણ નક્કી કર્યુ કે ચાહે ગમે તેવુ કામ કરાવે પણ સાવરકુંડલા ભણવા તો જાવુ જ નથી. ભણવુ તો મારે અહિ જ મારા જ ગામમાં છે. જો ભણાવે તો ઠીક નહિતર જય સિયારામ.

 

(ક્રમશ:)


Post a Comment

2 Comments

  1. Sir avu j mari hare pn thayel se but hu to 11sci ni hostel mathi bhagi ne ghare ay gyo to

    ReplyDelete
  2. Really ...it's all unexpected

    ReplyDelete