Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (4)

                   મારા તરફથી તો જય સિયારમ જ હતુ ભલે ને ગમે તેવી કાળી મજુરી કરાવે પણ હુ કોઈ પણ ભોગે સાયન્સ માં પાછો જાવા માંગતો હતો નહિ. જાણે કે એક નાદાન બાળકને કોઈએ નર્ક દેખાડી દીધુ હોય એવુ મને સાયન્સમાં લાગતુ હતુ. હુ અંદરથી ડરી જ ગયો હતો અને એટલે જ પાછો જાવા માંગતો હતો નહિ. સામા પક્ષે મારા પપ્પા પણ મને હવે ભણાવવા માંગતા હતા જ નહિ. મે એનુ સપનુ જો પુરૂ કર્યુ નહોતુ. એને મને એક સારો એંજિનિયર બનાવવો હતો. એનુ પણ કારણ હતુ. મારા પપ્પા એક સાધારણ ખેડુત હતા. અને એ વાત જગ જાહેર જ છે કે એક ખેડુત ના જીવનમાં કેટલો સંઘર્ષ હોય છે. અમારો વિસ્તાર ગીર માં આવે અને ગીર તમે જાણો જ છો શેના માટે ફેમસ છે આખા એશિયામાં. સિંહ અને જંગલી જનાવરની બોવ જ હેરાનગતિ રહે અમારા વિસ્તારામાં અને તેથી જ મારા પપ્પા એ એની જીંદગી માં ક્યારેય ઘરનુ સુખ મેળવ્યુ જ નથી. એને રાત્રે ઘરે સુવાનુ નસીબ જ નહોતુ થયુ. સવાર થી સાંજ સુધી ખેતરમાં જ રહે અને સાંજે ઘરે આવે ખાલી જમવા માટે. જમીને પાછા જતા રહે ખેતરે જંગલી જનાવર ખેતરમાં રહેલ પાકને નુક્શાન કરે નહી એના માટે. આ રીતે જ એને પોતાની જીંદગીનાં ઘણા વર્ષો વિતાવ્યા હતા અને હુ આવા દિવસો નો સામનો ના  કરુ, મારી લાઇફ કઈક સારી બને, હુ નોકરી કરતો થાવ તો આવુ મારે સહન ના કરવુ પડે એના માટે એ મને સાયન્સમાં ભણાવવા માંગતા હતા. અને વધુમાં મે શરૂવાતમાં જ કીધુ એમ અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી હતી નહિ. પણ સામે હુ પણ શુ કરૂ ? મને સાયન્સમાં કઈ ખબર પડતી હતી જ નહિ. એ મારો રસનો વિષય હતો જ નહિ.

              આમજ થોડા દિવસ ચાલ્યુ. લગભગ ૧૦ થી ૧૫ દિવસ મે આવી કાળી મજુરી સમાન સજા ભોગવી. પછી મારા તારણહાર બનીને આવ્યા એક ભાઈ જેને અમે કાકા કહેતા કેમ કે એ વ્યક્તિ મારા પપ્પાના ખાસ મિત્ર અને મારા પપ્પાથી નાના. એ વ્યક્તિનુ નામ હતુ અમિત જેઠવા શાયદ આ નામ કદાચ તમારામાંથી કોઈએ સાંભળ્યુ હશે. ખુબ જ નિડર અને બાહોશ વ્યક્તિ હતા એ. હા એ હવે આ દુનિયામાં નથી રહ્યા. એમની હત્યા કરી દેવામાં આવી હતી વર્ષ ૨૦૧૨ આસપાસ ગુજરાત હાઈકોર્ટની સામે. ખેર .....એ વ્યક્તિએ મારા પપ્પાને ફોન કર્યો અને મારા ભણવાની વાત કરી. મારા પપ્પા માને જ નહિ. મારા કાકાએ મારી સાથે વાત કરી. હુ એની સાથે વાત કરતા કરતા રીતસર હીબકા ભરવા લાગ્યો અને રડતા રડતા કાકાને કીધુ કે મારે ભણવુ છે અને અહી જ આપડા ગામમાં ભણવુ છે પણ મારા પપ્પા માનતા જ નથી. એને મને કીધુ સારૂ તારે ભણવુ છેને....હુ તારા પપ્પા સાથે વાત કરી લવ છુ અને એમ કરીને એણે મારા પપ્પા ને શુ ખબર કઈ જડીબુટ્ટી નુ સેવન કરાવી દીધુ. મારા પપ્પા માની ગયા અને મને સાવરકુંડલા જઈને એલ.સી.લઈ આવવા કીધુ. આ એ સમય હતો જ્યારથી હુ મારા પપ્પાથી ડરવા લાગ્યો અને આજદિન સુધી એ ડરુ છુ. ખબર નહિ કેમ હુ મારા પપ્પા સાથે આંખમાં આંખ મિલાવીને વાત જ નથી કરી શકતો. સામે વાત કરવાની તો દુર હુ એની સાથે આજે પણ ફોન માં ૧ મિનિટ થી વધારે વાત નથી કરી શકતો. અમારી ફોન માં શુ વાત થાય છે એ અહિ જણાવુ છુ.તમે જ મહેસુસ કરી લો.

ફોન ની રિંગ વાગે છે. પપ્પા ફોન ઉપાડે છે.

હુ : હેલ્લો પપ્પા કેમ છે ?

પપ્પા : સારૂ છે. મજામાં છીયે.

હુ : ઘરે બધા શુ કરે ? મજામાને બધા ?

પપ્પા : હા બધા મજામાં છે. તારે કેમ છે ? બધુ બરાબર છે ને ?

હુ : હા મને મજા છે અને બધુ બરાબર છે. મારા મમ્મી છે તો એને આપોને.  ( પપ્પા સાથે વાત પુરી ‌)

હુ તો રાજીના રેડ થઈ ગયો. અને બીજા દિવસે સાવરકુંડલા જઈને એલ.સી. લઈ આવ્યો અને મારા ગામની શાળામાં એડ્મિશન માટે ગયો. પણ પણ ....નસીબમાં હેરાન થવાનુ લખ્યુ હોય ને તો હેરાન જ થવાય. અને થયુ પણ એવુ. શાળા શરૂ થઈ એને લગભગ દોઢ  મહિનો થઈ ગયો હતો અને એ શાળાનાં પ્રિંસીપાલ સાહેબે મને એડ્મિશન માટે ના પાડી. હુ તો ટેંશનમાં આવી ગયો. પણ એ પ્રિંસીપાલ સાહેબ નુ નામ હતુ યોગેશભાઈ ઉપાધ્યાય અને એ સાહેબ કર્મે બ્રાહ્મણ અને અમારા જ પરિવારના એ ગોરબાપા.એટલે મારા પપ્પાએ વાત કરી ને મને એડ્મિશન આપ્યુ. મારા નસીબ તો જોવો મિત્રો મારા આ જેટલા અંગત હતા એમાથી મોટાભાગના આ દુનિયામાં નથી રહ્યા. આ અમારા ગોરબાપા અને મારા પ્રિંસીપાલ સાહેબ હવે આ દુનિયામાં નથી રહ્યા. એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ......

                આ રીતે મારુ ઉચ્ચતર માધ્યમિક નો અભ્યાસ શરૂ થયો. અને મારા સપનાની પણ શરૂવાત થઈ. હા આ એજ વર્ષ હતુ જ્યારે મે શિક્ષક બનવાનુ નક્કી કર્યુ હતુ અને એ પણ અંગ્રેજી વિષયમાં જેમાં હુ ક્યારેક નાપાસ પણ થયેલો ( સિદ્ધી ગુણ મળે એને નાપાસ બરાબર જ ગણવુ જોઈએ ) આની શરૂવાત પણ અમારા ક્લાસના શિક્ષક એવા રાઠોડ સાહેબે કરેલી. એ શિક્ષકની ભણાવવાની કળા અને સમજાવવાની રીત કઈક અલગ જ હતી. આજે પણ જ્યારે ખાંભા જાવ અને શાળા જો શરૂ હોય તો રાઠોડ સાહેબને અચુક મળવા જાવ જ. એ મને હંમેશા વરિયા કહીને જ બોલાવે. સાથોસાથ શાળાના બીજા શિક્ષકો પણ એટલા જ સ્વભાવનાં સારા હતા. જેમાં અમારુ મનોવિજ્ઞાન રાઠોડ સાહેબ લેતા તો સંસ્કૃત અને અંગ્રેજી અમિત મેડમ ભણાવતા અને ગુજરાતી પ્રભા મેડમ ભણાવતા. આ સમય દરમિયાન અમે સ્પોર્ટસ માં પણ બહુ ભાગ લીધો હતો. અમારી એક કબડ્ડી ની ટીમ હતી જેને એ સમયે હરાવવી મુશ્કેલ હતી. હા મને કબડ્ડી રમતા આવડે છે અને એનો હુ શ્રેષ્ઠ ખેલાડી પણ હતો. મારી મેઈન સ્કીલ ટેકલ ની છે. આ રીતે ધીમે ધીમે મારા ઉચ્ચતર નો અભ્યાસ પટરી પર ચડ્યો હતો. હવે આપડે આવ્યા યુવાનીમાં અને યુવાનીના સમયમાં બધાને વસંત ઋતુનો અનુભવ થાય જ એ સ્વાભાવિક છે અને મને પણ એની અસર થઈ. થોડા દિવસ હળવી બોલવાની શરૂવાત થઈ અને પછી ફોન પર વાત કરવાની શરૂવાત થઈ. ફોન પણ મારા બેસ્ટ ફ્રેંડ શ્યામ નો વાપરતો હતો  ( મારુ અને એનુ નામ સાથે લખાઈ શકે એટલે અમે બન્ને ભાવેશ્યામ આવુ લખતા ) આ બધુ ધોરણ ૧૨ સુધી ચાલ્યુ પછી બધુ પુરુ થઈ ગયુ. ચિંતા ના કરો તમારી ભાભીને એની બધી ખબર છે. ( આનો પણ એક રસપ્રદ કિસ્સો છે જે આગળ જણાવીશ ) પણ હવે અમે સાથે નથી અને એના લગ્ન પણ થઈ ગયા છે અને મારા પણ. પણ હજુ એ કોન્ટેક્ટમાં તો છે હો.

                આ રીતે મારે ૧૧માં ધોરણમાં પાંચમો નંબર આવ્યો અને ૧૨માં ધોરણમાં મારે ૬૮.૮૬ જેટલા ટકા આવ્યા અને મારો ઉચ્ચતર માધ્યમિક નો અભ્યાસ પુરો થયો. ટકાવારી ની બાબતમાં તો આપડે હંમેશા પાછળ જ રહ્યા છીયે. નસીબમાં જ નથી સારા ટકા.....પણ ખેર જે હોય એ આ રીતે મે મારો ઉચ્ચતરનો અભ્યાસ મે કઠિનાઈથી પુરો કર્યો. આ અભ્યાસ દરમિયાન મે પણ ૨ દુકાનમાં કામ કર્યુ હતુ...ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે. અડધો દિવસ દુકાન પર નોકરી એ જાવાનુ અને અડધો દિવસ શાળા એ. આ રીતે મે મારો અભ્યાસ પુરો કર્યો. હુ મારા પપ્પાથી શાયદ એટલા માટે પણ ડરતો હશુ કેમ કે મે ઘણા એવા કાંડ કર્યા છે કે એની ના પુછો વાત. મારા પપ્પાનુ માથુ શરમથી ઝુકાવ્યુ છે મે. મે ઘણી એવી ભુલો કરી છે કે ના પુછો વાત. મને ઘણી વખત એ બધા કાંડ યાદ આવે તો દુખ લાગે છે કે મે મારા પપ્પા સાથે આવુ કર્યુ. પણ અફ્સોસ સિવાય મારી પાસે કઈજ નથી. અને હજુ તો મોટો કાંડ આવવાનો બાકી હતો કે જેનાથી મારી અને મારા પપ્પાની વચ્ચે એક મતભેદ નામની દિવાલ આવવાની છે. ખેર ઘણી વખત વિચારુ છુ કે પપ્પાની સામે જાવ અને બધી જ વાતની માફી માંગુ. પણ અફસોસ ! આજદિન સુધી એ નથી કરી શક્યો. હિંમત જ નથી આવતી. કઈક અલગ જ પ્રકારનો ડર લાગે રાખે છે. આમતો મારા જીવનનો મંત્ર છે ટેશન લેને કા નહિ .... થાવુ હોય તો થાય નહિતર જાય બધુ તેલ લેવા  અને હંમેશા ખુશ રહેવાનુ. પણ જેટલો તમારી સામે ખુશ દેખાવ છુ એનાથી ૩ ગણો અંદરથી દુખી છુ હુ. પપ્પા તમને સામેથી તો ખબર નહી ક્યારે કહી શકીશ પણ આજે આ લેખ માં કહી દવ છુ ..... થાય તો મને નાદાન ગણીને માફ કરી દેજો. હુ મારી તમામ ભુલો માટે તમારી માફી માંગુ છુ.

                ખેર હવે શરૂ થાય છે મારા જીવનમાં પ્રવેશ કરનારી મહત્વની ૩ વ્યક્તીની કહાનીની............

(ક્રમશ:)

Post a Comment

3 Comments

  1. તમારૂ મંતવ્ય જરુર આપજો આ સ્ટોરી વિશે.

    ReplyDelete
    Replies
    1. સર, તમે ખૂબ સહજતાથી તમારી સ્ટોરી રજૂ કરી છે..

      સર, તમે તમારા પપ્પાની સામે માફી માંગવાની હિમ્મત નથી કરી શકતા તો તમારી આ કહાની તમારા પપ્પાને પણ શેર કરી શકો છો જેથી એ વાંચીને તમારી માફી સ્વીકારી લે અથવા એવું પણ બને કે તમે જે guilt feel કરતા છો એવું કશું હોય જ ના.....


      સર, આ તો મારો મત હતો એટલે જણાવ્યો જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો 🙏

      Delete
  2. Life ne badha same kholvi aghru 6....but sir u r doing a good work....hammesa aagad vadhta raho Evi god ne prathna

    ReplyDelete